અવારનવાર પૂછવામાં આવતા પ્રશ્નો

શું મારા એમ્પ્લોયર પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટ (પી.પી.ઈ. – અંગત સુરક્ષા માટેનાં સાધનો) માટેનો ચાર્જ લઈ શકે?

કામ પર તમારા આરોગ્ય અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે તમને જરૂરી કોઈ પણ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટ (પી.પી.ઈ. – અંગત સુરક્ષાનાં સાધનો) માટે તમારા એમ્પ્લોયર તમારી પાસેથી પૈસા લે તે ગેરકાનૂની છે. તેના માટે તમને પાછી આપી શકાય તેવી (રીફંડ કરી શકાય તેવી) ડીપોઝીટ તમારા એમ્પ્લોયર માગે તે પણ ગેરકાનૂની છે.

તમારા કામ પર તમારા આરોગ્ય અને સુરક્ષા પર એવાં કોઈ જોખમો હોય કે જેને બીજી કોઈ રીતે પૂરતા પ્રમાણમાં કાબૂમાં લઈ શકાય તેમ ન હોય તો કામ પર વાપરવા માટે તમારી પાસે પી.પી.ઈ. હોવાં જ જોઈએ. પી.પી.ઈ.માં વરસાદની કે ઠંડી ઋતુમાં પહેરવા યોગ્ય કપડાંનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને બહાર કામ કરતી વખતે અગત્યનાં છે.

મજૂરો પૂરા પાડનારાં અને તેમનો ઉપયોગ કરનારાં અંદરોઅંદર ગોઠવણ કરી શકે છે કે જરૂરી પી.પી.ઈ. માટે તેમનામાંથી કોણ પૈસા ચૂકવશે, પરંતુ આ ખર્ચ તેઓ તમારી પાસેથી ન લઈ શકે. જો કે, તમને જે કામ માટે તે સાધનો આપવામાં આવ્યાં હોય તે સાધનો તમે જ્યારે કામ છોડો ત્યારે પાછાં ન આપો તો તેના માટે તમારા છેલ્લા પગારમાંથી તેઓ પૈસા કાપી શકે છે. પરંતુ આ તેઓ ત્યારે જ કરી શકે છે જો તમે કામ શરૂ કયુઁ હોય ત્યારે તમારા કોન્ટ્રાક્ટમાં તેની સ્પષ્ટતા કરવામાં આવેલી હોય.  

પી.પી.ઈ. પૂરાં પાડવાં અને વાપરવા વિશે વધારે માહિતી

મારા એમ્પ્લોયર અમને પી.પી.ઈ. વહેંચીને વાપરવાનું કહે છે. શું આ બરાબર છે?

ટૂંકા સમયના વપરાશ માટે (દા.ત. જ્યાં માત્ર થોડા જ સફાઈના કામ માટે તેની જરૂર હોય), તો પી.પી.ઈ વહેંચીને વાપરવાનું ચાલી શકે, પરંતુ તે ફરીથી વાપરવામાં આવતાં પહેતાં તેના ઉત્પાદકની સૂચના અનુસાર બરાબર રીતે ધોયેલાં, સાફ કરેલાં (જ્યાં જરૂર હોય ત્યાં જંતુરહિત પદાર્થ વડે) અને સૂકવેલાં હોય તેની એમ્પ્લોયરે ખાતરી કરેલી હોવી જરૂરી છે. 

ટોઈલેટની અને હાથ ધોવાની સગવડોનું અને પીવાના ચોખ્ખા પાણીનું શું?

તમે કામ પર હો ત્યારે તમારા માટે હાથ ધોવાની, ટોઈલેટની, આરામ કરવાની તેમજ કપડાં બદલવાની સગવડો તેમજ બ્રેકના સમય દરમ્યાન ખાવા પીવા માટેની કોઈ સ્વચ્છ જગ્યાની સુવિધા તમારા એમ્પ્લોયરે પૂરી પાડવી જ જોઈએ.

ટોઈલેટો, હાથ ધોવાના બેસીનો, સાથે સાબુ અને ટાવેલો અથવા હાથ સૂકવવાના ડ્રાયર, તેમજ પીવાના પાણીની સગવડ ખાસ કરીને ત્યારે અગત્યનાં છે જ્યારે તમે કોઈ દૂરનાં, બહારનાં સ્થળે અથવા એવા સ્થળે કામ કરી રહ્યાં હો જ્યાં મજૂરીનાં કામો, રોપણી અને કાપણીનાં કામ, ખેતીવાડીનાં ઉત્પાદનો અને બાંધકામ જેવાં હાથ વડે કરવાનાં કામો ચાલતાં હોય ત્યાં કામ કરતાં હો. 

જો કામ દરમ્યાન કોઈ ખાસ કપડાં પહેરવાં પડે તેમ હોય તો તે કપડાં સંઘરવા અને બદલવા માટેની કોઈ જગ્યા પણ તમારા એમ્પ્લોયરે પૂરી પાડવી જ જોઈએ.

વધારે માર્ગદર્શન HSEની કામના સ્થળે આરોગ્ય, સુરક્ષા અને સુખાકારી નામની પત્રિકામાંથી મળી શકે છે.  

ફર્સ્ટ એઈડનું શું?

એક્સીડેન્ટ અને બીમારી કોઈ પણ સમયે થઈ શકે છે અને ફર્સ્ટ એઈડ (પ્રાથમિક સારવાર) જીવન બચાવી શકે છે અને નાની ઈજાઓને મોટી ઈજાઓમાં ફેરવાતી રોકી શકે છે. તમારા એમ્પ્લોયરે ખાતરી કરવી જ જોઈએ કે જો તમને જરૂર પડે તો તમને ઈમર્જન્સીમાં ફર્સ્ટ એઈડ મળી શકે.

ફર્સ્ટ એઈડની ગોઠવણો તમારા કામ પરના ખાસ સંજોગો પર આધારિત હશે. પણ ઓછામાં ઓછું એમ્પ્લોયરે આ કરવું જ જોઈએઃ

 • બરાબર રીતે જરૂરી સામગ્રી ભરેલી ફર્સ્ટ એઈડ પેટી હોવી
 • ફર્સ્ટ એઈડની ગોઠવણો સંભાળવા માટે કોઈને નીયુક્ત કરવા
 • ફર્સ્ટ એઈડની ગોઠવણો શું છે તે તમને સ્પષ્ટપણે સમજાવવું

તમારા કામના સ્થળે ફર્સ્ટ એઈડ આપનારની જરૂર છે કે નહિ તે તમારા એમ્પ્લોયર નક્કી કરશે. આ એવી કોઈ વ્યક્તિ હશે જેમને કામ પર ફર્સ્ટ એઈડ અથવા કામ પર ઈમર્જન્સીમાં ફર્સ્ટ એઈડ આપવાની તાલીમ મળેલી હોય અને તે માટે લાયકાત મેળવેલી હોય.

વધારે વિગતો અમારાં ફર્સ્ટ એઈડ વિશેનાં પેજીસ પરથી અને અમારી પત્રિકા કામ પર ફર્સ્ટ એઈડઃ તમારા પ્રશ્નોના જવાબ માંથી મળી શકશે.

તાલીમનું શું?

તમારું કામ સલામતીપૂર્વક અને તમારા આરોગ્ય પર કોઈ જોખમ ઊભું કર્યા વગર કરવા માટે તમને જરૂરી માહિતી, સૂચના અને તાલીમ તમારા એમ્પ્લોયરે તમને આપવાં જ જોઈએ.

તમને શેની જરૂર છે તેનો આધાર તમારું કામ કેવા પ્રકારનું છે તેના પર રહેશેઃ માહિતી, સૂચના અને તાલીમ માત્ર સુપરવાઈઝર દ્વારા આપવામાં આવતી સાદી સૂચનાઓ હોઈ શકે; અથવા તે વિસ્તૃત પાયાની તાલીમ અને માન્યતાપ્રાપ્ત લાયકાતો પૂરી પાડતી ઔપચારિક તાલીમ પણ હોઈ શકે છે. 

તાલીમ ગમે તે આપી રહ્યું હોય (દા.ત. ઉપયોગકર્તા/ભાડે લેનાર એજન્સી/મજૂરો પૂરાં પાડનાર વગેરે અથવા બીજું કોઈ પણ), મજૂર પૂરાં પાડનારે અને તે વાપરનારે અંદરોઅંદર તેમની વચ્ચે આ કરવું જોઈએઃ

 • તમને સ્પષ્ટપણે સમજાવવું કે પરિચયાત્મક અને નોકરીને લગતી તાલીમ કોણ આપશે, તે ક્યારે આપવામાં આવશે અને કેવી રીતે
 • તમને જોઈતી કોઈ પણ પરિચયાત્મક તાલીમ અને નોકરીને લગતી/વ્યવસાયિક તાલીમ તમને આપવી
 • તમારે કદાચ સામનો કરવો પડી શકે તેવાં જોખમો વિશે અને તે જોખમો ઊભાં ન થાય તે માટે તમારે લેવાં જરૂરી સાવચેતીનાં પગલાં વિશે લાગતીવળગતી માહિતી તમને આપવી
 • જો તમે અંગ્રેજી બરાબર ન બોલી શકતાં હો અને જો તમને વધારાની મદદની જરૂર હોય તો તમારી જરૂરતોને ધ્યાનમાં લેવી, જેમ કે દુભાષિયાની સગવડ આપવી, સામગ્રીનું  ભાષાંતર કરવું અથવા સરળ અંગ્રેજીનો ઉપયોગ કરવો.જ્યારે અંગ્રેજી સમજવામાં સમસ્યા હોય ત્યારે લોકોને તાલીમ આપવા માટે ડીવીડીનો ઉપયોગ અસરકારક નીવડી શકે છે.
 • તમને સલામતીપૂર્વક કામ કરવા માટે જરૂરી માહિતી, સૂચના અને તાલીમ આપવામાં આવી હોય અને તમે તે સમજ્યાં હો, અને તેનું બરાબર પાલન કરી શકો છો તેની ખાતરી કરવી
 • તમારી ઉપર યોગ્ય રીતે દેખરેખ રાખવામાં આવે છે અને તમારા આરોગ્ય અને સુરક્ષાને લગતી કોઈ પણ ચિંતાઓ વિશે તમારા સુપરવાઈઝર સાથે કેવી રીતે વાત કરવી તેની તમને ખબર હોય, અને કોઈ પણ ઈમર્જન્સીની જોગવાઈઓ અથવા પ્રક્રિયાઓથી તમે પરિચિત હો તેની ખાતરી કરવી

ભાષાની તકલીફો અંગે મને કોઈ મદદ મળી શકે છે?

જો તમે તમારું અંગ્રેજી સુધારવા ઈચ્છતાં હો, તો ઈંગ્લીશ ફોર ધ સ્પીકર્સ ઓફ અધર લેંગ્વેજીસ (ESOL) (બીજી ભાષા બોલનારાંઓ માટે અંગ્રેજી)ના અભ્યાસક્રમો મળી શકે છેઃ

કામના સ્થળે તમને જરૂર પડી શકે તેવું આવશ્યક અંગ્રેજી તમને શીખવતી લાયકાતો કોઈ કોર્સ કરવા માટે તમારે કદાચ પૈસા ચૂકવવા પડે એવું બને, પરંતુ જો તમે અંગ્રેજી બોલી, વાંચી / લખી શકતાં હશો, તો તમને સલામતીથી અને આરોગ્યપ્રદ રીતે કામ કરવાનું વધારે સહેલું લાગશે, કામના સ્થળે તેમજ રોજિંદા જીવનમાં પણ સારી રીતે ગોઠવાઈને આગળ પ્રગતિ કરી શકશો.

મારા દેશમાં મેં પ્રાપ્ત કરેલી કોઈ પણ લાયકાતો, વ્યવસાયિક લાયકાતો શું હું બ્રિટનમાં કામ કરતી વખતે વાપરી શકું કે અહીં ટ્રાન્સફર કરી શકું છું?

સામાન્ય રીતે, બ્રિટિશ આરોગ્ય અને સુરક્ષાનો કાયદો વિદેશની લાયકાતોને અથવા સામર્થ્યની ચકાસણીઓને માન્ય રાખતો નથી, સિવાય કે તે કોઈ ઔપચારિક રાષ્ટ્રિય કક્ષાની લાયકાત હોય. જો એમ હશે, તો તમારા એમ્પ્લોયર તેની બરોબરીનું સર્ટિફિકેટ યુકેની કોમ્પીટન્ટ ઓથોરિટી, ધ યુકે નેશનલ રેકોગ્નીશ ઈન્ફોમેર્શન સેન્ટર (યુકે નેરિક) (UK National Recognition Information Centre (UK NARIC)) પાસેથી મેળવી શકે. જો એમ નહિ હોય, અને જો તમે એવું કોઈ કામ કરી રહ્યાં હો જેમાં કોઈ ચોક્કસ આવડતોની જરૂરત હોય (જેમ કે ફોર્ક-લિફ્ટ ટ્રક ચલાવવી, અથવા ચેઈનસો વાપરવો), તો તમારે કદાચ કોઈ ટેસ્ટ આપવો પડશે, અને કદાચ ફરીથી તાલીમ લેવી પડે. આનું કારણ એ છે કે તમે જે કરો છો તે કામ કરવાનું તમારામાં સામર્થ્ય છે તેની ખાતરી કરવાની તમારા એમ્પ્લોયરની કાનૂની ફરજ છે.  

બાંધકામના ઉદ્યોગમાં, કન્સ્ટ્રક્શન સ્કિલ્સ સર્ટિફિકેશન સ્કીમ (સી.એસ.સી.એસ.) (Construction Skills Certification Scheme (CSCS)) કાર્ડને કામદારની આવડતોના પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે છે. આ ઉદ્યોગમાં આવડતો અને તાલીમ ઉપર દેખરેખ રાખવા માટે જવાબદાર સંસ્થા કન્સ્ટ્રક્શન સ્કિલ્સ છે.

જો હું સગર્ભા હોઉં તો મારા એમ્પ્લોયરે શું કરવું જ જોઈએ?

જો તમે સગર્ભા હો, બાળકને સ્તનપાન કરાવતાં હો અથવા છેલ્લા છ મહિનાની અંદર તમે બાળકને જન્મ આપ્યો હોય, તો તમારે તમારા એમ્પ્લોયરને (લેખિતમાં) તેની જાણ કરવી જોઈએ. બાળકને જન્મ આપવાની ઉંમરની સ્ત્રીઓ પરનાં કોઈ પણ જોખમો વિશે તમારા એમ્પ્લોયરે પહેલેથી જ વિચાર કરેલો હોવો જોઈએ, ખાસ કરીને જો તે સ્ત્રીઓ સગર્ભા હોય અથવા સ્તનપાન કરાવતી હોય, અને તે જોખમોને નિયંત્રણમાં રાખવામાં આવ્યાં હોવાની ખાતરી કરેલી હોવી જોઈએ. પણ તમારી સગર્ભાવસ્થા વિશે અથવા તમને તાજેતરમાં બાળક જન્મ્યું હોવા વિશે તમારા એમ્પ્લોયરને જાણ કરવાથી, તમારી સુરક્ષા માટે તેમણે કોઈ ખાસ પગલાં લેવાં જરૂરી છે કે નહિ તે નક્કી કરવામાં તમારા એમ્પ્લોયરને મદદ થશે.

જો જોખમના મૂલ્યાંકન (રીસ્ક અસેસમેન્ટ)માં તમારા, અથવા તમારા બાળકના આરોગ્ય અને સુરક્ષા પર કોઈ જોખમ હોવાનું ઓળખવામાં આવ્યું હશે, તો તે જોખમો દૂર કરવા, ઓછાં કરવાં કે તેના પર નિયંત્રણ મેળવવા માટે તમારા એમ્પ્લોયરે પગલાં લેવાં જ જોઈએ.

જો તે જોખમ દૂર કરી શકાય તેમ ન હોય, તો તમારા એમ્પ્લોયરેઃ

વધારે વિગતો માટે, જુઓ નવી બનેલી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ.

કામ પર આરોગ્ય અને સુરક્ષાને લગતી મને કોઈ ચિંતા હોય તો?

સૌથી પહેલાં તમારેઃ

 • તમારા એમ્પ્લોયર, મેનેજર અથવા સુપરવાઈઝર સાથે વાત કરવી જોઈએ
 • જો તમારે ત્યાં ટ્રેડ યુનિયન દ્વારા સુરક્ષા માટેના કોઈ પ્રતિનિધિ નીમવામાં આવેલા હોય તો તેમની સાથે વાત કરવી જોઈએ
 • જો આનાથી મામલાનો ઉકેલ ન આવે, અને તમે કામ પર આરોગ્ય અને સુરક્ષાની પરિસ્થિતિ વિશે ફરિયાદ કરવા માગતાં હો, તો અમે તમને માહિતી અને સલાહ આપી શકીએ છીએ અને તમારી ચિંતાઓ વિશે આગળ તપાસ કરી શકીએ છીએ.

જો તમે એવા કોઈ વ્યવસાય માટે કામ કરતાં હો જેના પર HSE દ્વારા આરોગ્ય અને સુરક્ષાના કાયદાની અમલબજાવણી ન થતી હોય, જેમ કે કોઈ દુકાન, ઓફિસ અથવા મોટા ભાગનાં ગોદામો (વેરહાઉસ), તો આના બદલે અમે તમને જે વિસ્તારમાં તે વ્યવસાય આવેલો હશે ત્યાંની લોકલ ઓથોરિટીના સંપર્કની વિગતો આપીશું. તે પછી તમારે ફરિયાદ કરવા માટે તે ઓથોરિટીના એન્વાયરન્મેન્ટલ હેલ્થ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે.

જ્યારે HSE કોઈ ફરિયાદ જુએ છે ત્યારે તેઓ ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ બહાર પાડતાં નથી. ફરિયાદ કરવામાં આવી હોવાનું અમે એમ્પ્લોયરને કહીશું નહિ, સિવાય કે તેમ કરવામાં કોઈ વાંધો નહિ હોવાનું તમે અમને કહેલું હોય.

વધારે વિગતો કામના સ્થળે આરોગ્ય અને સુરક્ષા વિશેની ફરિયાદો માંથી મેળવી શકાય છે. અમારા ઓનલાઈન ફોર્મનો ઉપયોગ કરીને તમારી ફરિયાદની જાણ કરો – જો તમે આ ઓનલાઈન ફોર્મ વાપરી શકો તેમ ન હો, તો તમે તમારી ફરિયાદ કામના કલાકોના સમય દરમ્યાન કમ્પ્લેઈન્ટ્સ એન્ડ એડવાઈઝરી ટીમને 0300 0031647 પર ફોન કરીને જણાવી શકો છો.

યાદ રાખશો, તમને બીજા પણ પાયાના અધિકારો મળે છે, જેમ કે તમારે કેટલા લાંબા સમય સુધી કામ કરવું પડે, કામ પરથી છૂટ્ટી મળવી, આરામના સમય તેમજ પગાર સાથેની વાર્ષક રજાઓ.

કામદારો માટે ઉપયોગી સંપર્કો જુઓ અને કામદારો માટે વધારે મદદ નાં પાનાં જુઓ. ખાસ વિદેશથી આવેલાં કામદારો માટે

HSE એ ખિસ્સામાં રાખી શકાય તેવું એક કાર્ડ પણ બનાવ્યું છેઃ

આમાં આરોગ્ય અને સુરક્ષાના કાયદા હેઠળ તમારા અધિકારો અને જવાબદારીઓ વિશે પાયાની અને આવશ્યક માહિતી પૂરી પાડવામાં આવી છે – આ માહિતી તમામ ઉદ્યોગોને લાગુ પડે છે, માત્ર ખેતીવાડી અને ખોરાકી પ્રક્રિયાના ઉદ્યોગોને જ નહિ. તેનું અમે અનેક જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર કરેલું છે.

તમને HSE નાં બીજાં પણ પ્રકાશનો વાંચવાથી કદાચ મદદ થઈ શકે, જેમનું અંગ્રેજી સિવાયની બીજી ભાષાઓ માં ભાષાંતર કરવામાં આવેલું છે.

વધુ માહિતીનાં સ્થાનો

કામ પર મારા રોજગારને લગતા અધિકારો સુરક્ષિત રહે છે તેની ખાતરી કરવા હું શું કરી શકું?

સરકાર દ્વારા અમલબજાવણી કરાવવામાં આવતા રોજગારને લગતા અધિકારો વિશે ખાનગીમાં મદદ અને સલાહ મેળવવા માટે તમે પે એન્ડ વર્ક રાઈટ્સ હેલ્પલાઈનને 0800 917 2368 પર ફોન કરી શકો છો. તે રાષ્ટ્રિય લઘુત્તમ વેતન (નેશનલ મિનિમમ વેજ)ના અધિકારો, ખેતીવાડીમાં લઘુત્તમ અધિકારો (એગ્રીકલ્ચરલ મિનિમમ વેજ)ના અધિકારો, તેમજ તમારી મરજી વિરુદ્ધ તમારે અઠવાડિયાના 48 કલાકથી વધુ સમય માટે કામ ન કરવું પડે તે અધિકાર વિશે માહિતી પૂરી પાડે છે. જો તમને એમ્પ્લોયમેન્ટ એજન્સી અથવા ગેંગમાસ્ટર દ્વારા પગાર ચૂકવવામાં આવતો હોય તો તમારા રોજગારના અધિકારો વિશેની માહિતી મેળવવા માટે પણ તમે આ હેલ્પલાઈનને ફોન કરી શકો છો.

જો આ વિસ્તારોમાં તમારા અધિકારો વિશે તમે વધારે જાણવા માગતાં હો, અથવા તમને લાગતું હોય કે તમારા એમ્પ્લોયર આ અધિકારોનું માન નથી રાખતાં, તો સલાહ માટે હેલ્પલાઈનને ફોન કરો. આ હેલ્પલાઈન સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત સલાહ સેવા છે.

મારા એમ્પ્લોયર મને રહેઠાણ પૂરું પાડવા બદલ મારી પાસેથી ચાર્જ લઈ શકે?

આમ તો ઘણાં વિદેશી કામદારો પોતાના રહેઠાણની ગોઠવણ પોતે જાતે કરી લેતાં હોય છે, પરંતુ કેટલાક ઉદ્યોગોમાં, ખાસ કરીને ખેતીવાડી અને આરોગ્ય સંભાળના ક્ષેત્રોમાં, ઘણી વાર મજૂરો પૂરાં પાડનાર અથવા તેમનો ઉપયોગ કરનાર દ્વારા તેમને રહેઠાણ આપવામાં આવતું હોય છે.

નિવાસિત રહેઠાણો પર લાગુ પડતા કાયદાના અમલ ઉપર માર્ગદર્શન અને વધારે માહિતી લોકલ ઓથોરિટીઓ પાસેથી મેળવી શકાય છે.

અસલામત, વધારે પડતાં માણસોની ભીડવાળું અથવા યોગ્ય રીતે સાચવવામાં નહિ આવેલા ભાડાના રહેઠાણમાં હું રહેતો/રહેતી હોઉં તો?

ગેસ સેફ્ટી (ઈન્સ્ટોલેશન એન્ડ યૂઝ) રેગ્યુલેશન 1998 હેઠળ તમારા મકાન માલિકની ફરજ બને છે તેઓ તેમની માલિકીનાં અને તમારા વપરાશ માટે તેમણે આપેલાં તમામ પાઈપો, સાધનો તેમજ ધુમાડીયાઓની જાળવણી ગેસ સેફ રજિસ્ટર્ડ એન્જીનીયર દ્વારા કરાવવાની ગોઠવણ કરે. તમારા મકાન માલિકે, દર 12 મહિને ગેસનાં તમામ સાધનોની ગેસ સેફ રજિસ્ટર્ડ એન્જીનીયર દ્વારા ગેસ સેફ્ટીની વાર્ષિક તપાસ કરાવવાની પણ ગોઠવણ કરવી જ જોઈએ. તેમણે તે સુરક્ષા તપાસની નોંધો 2 વર્ષ સુધી રાખવી જ જોઈએ અને તે તપાસ પૂરી થયાના 28 દિવસની અંદર ત્યાં રહેતાં હાલના દરેક ભાડૂતને તેની એક નકલ આપવી જોઈએ અને કોઈ નવા ભાડૂતને તેઓ રહેવા આવે તે પહેલાં એક નકલ આપવી જોઈએ.   

ખરાબ હાલતનાં રહેઠાણોની પણ ભાડૂતો અને પાડોશીઓ પર ઘણી મોટી અસર પડી શકે છે. જો તમને તમારા મકાન માલિક દ્વારા પૂરા પાડવામાં આવેલા રહેઠાણની ગુણવત્તા અંગે ચિંતા હોય, તો તમારી સ્થાનિક હાઉસિંગ ઓથોરિટીનો અથવા સિટીઝન્સ એડવાઈઝ બ્યૂરો નો સંપર્ક કરો. તમને હાઉસિંગ ચેરિટી સંસ્થા શેલ્ટર પાસેથી સલાહ મેળવવાનું પણ કદાચ ઉપયોગી લાગે.

 
Updated: 2021-10-05